એ લોકો પ્રેમમાં ક્યારેય ફાવતા જ નથી!
કરે છે ખૂબ છતાં પણ જતાવતા જ નથી!
એ કોણ છે? જો પ્રભુ નીચે આવતા જ નથી!
જે દાન આપે તો છે પણ લખાવતા જ નથી!
હો ચાલે એવું છતાં એ ચલાવતા જ નથી!
ગઝલ ભજે છે, શ્વસે છે, સજાવતા જ નથી!
કરે ન કાંઈ છતાં એની પણ મદદ કહેવાય,
કોઈના દુઃખમાં જે હસતા હસાવતા જ નથી!
વગર જીત્યે જ એ સંબંધમાં જીતેલા છે,
જે એકબીજાને કદીયે હરાવતા જ નથી!
છે માત્ર એમની ભૂલો જ માફીને લાયક,
કરેલી ભૂલને જેઓ છૂપાવતા જ નથી!
ઝુકેલું શીશ એ વંદન તો માત્ર એનું ગણાય,
જે શીશ ખુદનું ગમે ત્યાં ઝુકાવતાં જ નથી!
જીવનના રંગ ખરા તો એ ક્યાંથી જોઈ શકે?
જે ખુદની સાથે તો ફોટા પડાવતા જ નથી!
સંદીપ પૂજારા